શરદ પૂર્ણિમા: સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવવામાં આવે છે શરદ પૂર્ણિમા, જાણો તેનું ખાસ મહત્વ

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમનેશરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળે કલા પૃથ્વી પર વરસાવે છે. શરદઋતુમાં ચાંદનીનું અજવાળું માણવાનું મળે છે. તેને માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમે ચંદ્રના શાંત શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ- ઔષધિઓને અત્યંત પોષણ મળે છે.

શરદપૂર્ણિમાનો ચંદ્ર શીતલતાનો પ્રકાશ આપે છે. ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘નક્ષત્રાણામહં શશી’ કહી ચંદ્રની શોભા વધારી છે.આ શરદપૂર્ણિમાને આવા ધવલરંગી ઉત્સવે લોકો દૂધપૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે.આ શરદપૂર્ણિમાના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને મહારસનું મહાસુખ પમાડયું હતું.

એક ગોપી અને એક કૃષ્ણ ભગવાન એ રીતે ભગવાને અનેક રૂપ ધારણ ગોપીઓને સુખી કરી હતી. ત્યારથી શરદપૂર્ણિમાએ રાસ રમવામાં આવે છે.સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શરદપૂર્ણિમાનું એક આગવું મહત્ત્વ છે. સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેઓએ ઘણી જગ્યાએ શરદપૂર્ણિમાનો શરદ ઉત્સવ ઉજવ્યો છે અને સંતો-ભક્તોની સાથે રાસે રમ્યા છે.

સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ ઉજવવા માટે સંવત્ ૧૮૭૯માં પંચાળામાં ઝીણાભાઈને ત્યાં પધાર્યા હતા ત્યારે એટલા બધા સંતો-ભક્તો આવેલા કે, તેમના ઉતારાની વ્યવસ્થા ગામની બહાર પશ્ચિમ દિશામાં ઉંચા ટેકરા ઉપર વડના વૃક્ષની ઉત્તર તરફ ઘાસની પર્ણકુટીઓ બાંધીને કરવામાં આવી હતી.

પૂનમના દિવસે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન થયા હતા. મોટા-મોટા સંતોએ મહારાજને પ્રાર્થના કરી કે, શ્રીકૃષ્ણે જેમ ગોપીઓને શરદપૂર્ણિમાની રાત્રિએ મહારસ રમાડી દિવ્ય આનંદનો અનુભવ કરાવ્યો હતો તેવો આનંદ આજે અમને પણ કરાવો. અમારી દરેક સંતની સાથે રાસ રમો. ત્યારે મહારાજે કહ્યું કે, સારું! આજે તમારો સંકલ્પ પૂરો કરીશું.

જ્યાં શ્રી હરિ રાસે રમશે તેવી મંજૂરી મળી એટલે સૌ સંતો-ભક્તો તો પ્રેમવિભોર બની ગયા.આજે તો બસ! પ્રગટ પુરુષોત્તમ અક્ષરધામના ધામી સાથે રાસ રમવા મળશે. આજે તો ન્યાય થઈ જઈશું ન્યાલ. એવા સંકલ્પો કરતા સંતો-ભક્તો પ્રેમમાં ને  ગાંડા જેવા થઈ ગયા.

શ્રીજીમહારાજ પધારીને તૈયાર કરેલા મંચ ઉપર બિરાજમાન થયા.ચંદ્ર પૂર્ણ પણે પ્રકાશી રહ્યો હતો. વૃક્ષો ઝૂકી રહ્યા હતા. મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદસ્વામી જેવા મોટા-મોટા સંતોએ પણ આજતો હાથમાં કરતાલો લીધી હતી. પગે ઘુઘરા ધારણ કર્યા હતા. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા. તેમણે દુક્કડ, સરોદ, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝા, સારંગી, મંજીરા આદિ અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. ત્યાં જ શ્રીજીનો ઈશારો થતાં જ ઢોલ ઉપર સંતે દાંડી મારી અને રાસ રમવાનો પ્રારંભ થયો.

સદ્ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ સખી ગોકુળ ગામના ચોકમાં..એ કીર્તન ઉપાડયું. કરતાલના નાદે સૂરો સાથે ઠાવકી મહોબ્બત જમાવી દીધી. રાસ જામ્યો. સંતોના એક-કે બે નહીં પણ સાત-સાત કુંડાળા કરવામાં આવ્યા. શ્રીજીમહારાજ પણ મંચ ઉપરથી ઉભા થયા અને રાસ રમવા પધાર્યા. સંતોના આનંદનો પાર ન રહ્યો. બ્રહ્માનંદ આ પ્રસંગને વર્ણવતા કીર્તન ગાવા લાગ્યા કે,

ચહુ કોરે સખાની મંડળી રે,
ઉભા વચમાં છેલો અલબેલ,
રમે રાસ રંગીલો રંગમાં રે.

શ્રીજી મહારાજ પણ સંતોની સાથે રાસ રમવા લાગ્યા. જેટલા સંતો હતા તેટલા રુપ શ્રીજીએ ધારણ કર્યા. દરેક સંતની સાથે રાસ રમવા લાગ્યા. સૌ સંતને પોતાની સાથે ભગવાન રાસ રમે છે તેવા દર્શન થયા એટલે સંતો તો પ્રેમવિભૂર થઈ ગયા. સંતોનો રાસ રમવાનો વેગ પણ વધી ગયો. આ મહારાસની દિવ્ય સ્મૃતિ સૌના અંતરમાં કંડારાઈ જેવી શ્રી હરિની ઈચ્છા હતી.

તેથી આજે સહુને સુખના સાગરમાં ડૂબાડી દીધા. રાસ રમતા કોઈ થાકતું જ ન હતું. અંતે છેવટે બ્રહ્માનંદસ્વામીએ સંતોના ઉતારામાં આગ લાગી છે તેવું તરકટ કરીને રાસની પૂર્ણાહુતિ કરાવી. પંચાળાની સમગ્ર ભૂમિ આજે આ પૂર્ણિમાની રાત્રિએ રમાયેલા મહારાસથી પાવન થઈ ગઈ.

આવા દિવ્ય-અલૌકિક રાસની સૌની સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં ભગવાન રાસ રમવા તૈયાર થયા હોય તેવા શણગાર ધરાવવામાં આવે છે. અને સૌ સંતો-ભક્તા રાસ રમે છે. થાળમાં આજના દિવસે ભગવાનને દૂધ-પૈંઆ ધરાવવામાં આવે છે અને રાસ રમ્યા બાદ આ પ્રસાદ લઈ સૌ કૃતકૃત્ય બને છે.

આવા દિવ્ય-અલૌકિક રાસની સૌની સ્મૃતિ થાય એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં ભગવાન રાસ રમવા તૈયાર થયા હોય તેવા શણગાર ધરાવવામાં આવે છે. અને સૌ સંતો-ભક્તા રાસ રમે છે. થાળમાં આજના દિવસે ભગવાનને દૂધ-પૈંઆ ધરાવવામાં આવે છે. અને રાસ રમ્યા બાદ આ પ્રસાદ લઈ સૌ કૃતકૃત્ય બને છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *