રણછોડદાસ રબારી(પગી):ઇતિહાસનો ખોવાયેલો કિસ્સો

ઓગસ્ટમાં ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જે ઇન્ડિયા-પાકિસ્તાન ૧૯૭૧ યુદ્ધની સત્યઘટના પર આધારિત છે જેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે જે ઇન્ડિયન એર ફોર્સ સ્કવોડ્રન લીડર વિજય કર્ણિકનું પાત્ર ભજવે છે જેઓ ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હોય છે. યુધ્ધ દરમિયાન રન વે પર બોમ્બમારો થવાથી એરફોર્સ સૈન્યની મદદ માટે આવી શકે એમ નથી હોતી ત્યારે વિજય કર્ણિક માધાપર ગામની 300 જેટલી મહિલાઓની મદદથી યુધ્ધ દરમિયાન જ હવાઈ પટ્ટી તૈયાર કરે છે. મૂવી રોમાંચક હશે પણ એનાથી વધુ રોમાંચક છે સંજય દત જે પાત્ર ભજવે છે તે વ્યક્તિ એટલે કે રણછોડભાઈ પગીનું પાત્ર.

રણછોડભાઇ બનાસકાંઠા જિલ્લાના વતની છે. એક સામાન્ય અભણ માણસ પણ દેશ પ્રત્યેની જવાબદારી લાગણી અને નિષ્ઠા અખૂટ. તેઓ પગેરું મેળવવામાં હોશિયાર હતા. ઊંટના પગલાં જોઈ કહી દેતા કે માથે કેટલું વજન હશે.

૧૯૬૫ ના યુધ્ધ પહેલા પાકિસ્તાન આર્મીએ કચ્છના ઘણા ગામડાઓ કબ્જે કરી લીધા હતા. રણછોડદાસ જીવના જોખમે એ ગામડાઓમાં જતા અને એમના સગા તથા ગામના લોકો પાસેથી દુશ્મનોની માહિતી મેળવતા. રણના ખૂણે ખૂણેથી એ વાકેફ હતા. આ માહિતીથી ભારતીય સૈન્યના હજારો સૈનિકોની મદદ થતી.

૧૯૬૫ ના યુધ્ધ દરમિયાન કચ્છ બોર્ડર પાસે વિદ્યાકોટ પોસ્ટ પર પાકિસ્તાને કબ્જો જમાવી દીધો હતો. ત્યારે સમયસર ૧૦૦૦૦ ભારતીય સૈન્યના જવાનોને મારગ દેખાડવાનું કામ રણછોડભાઈ પગીએ કર્યું હતું. આ સિવાય એમની નોંધનીય સિદ્ધિ હોય તો ૧૨૦૦ જેટલા છૂપાઈને ફરતા પાકિસ્તાની સૈનિકોની જાણ પણ એમણે જ કરી હતી. જનરલ માણેકશા પણ એમનાથી ખૂબ પ્રભાવિત હતા. અને એમને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. માણેકશા જ્યારે ચેન્નાઇની હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ પગીને વારંવાર યાદ કરતા.

૧૯૬૫ તથા ૧૯૭૧ ના બને યુધ્ધ દરમિયાન તેમને એક ભોમિયા તરીકે ભારતીય સૈન્યની મદદ કરી. ૨૦૧૩માં ૧૧૨ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. બીએસએફ દ્વારા એમના સન્માનમાં એક આઉટપોસ્ટને રણછોડપગીપોસ્ટ નામાંકન કર્યું છે. સંગ્રામ મેડલ, સેવા સ્ટાર મેડલ અને પોલીસ મેડલ દ્વારા એમની સિદ્ધિઓ જલકે છે. આ સરહદી રણબંકાને શત શત નમન..


Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *